મોઢવાડીયા મહેરોએ વર્ષોથી પકડી રાખેલો અપિયો છોડાવવા ખિસ્તરીયા મહેરોએ કરેલું સભાનું આયોજન

છેલ્લાં પંદરેક વર્ષથી મહેર જ્ઞાતિના સંતો, સમજદાર અગ્રેસરો, લેખકો, પત્રકારો, અને શિક્ષીત યુવા પેઢી જ્ઞાતિમાં સંપ, એકતા, સંગઠન અને ભાઇચારાનું વાતાવરણ સર્જાય તે માટે તનતોડ મહેનત ઊઠાવી રહેલ છે. તેના પરીણામે જ્ઞાતિમાં ઘણું સારૂ પરીણામ દેખાય છે. પરંતુ મોઢવાડીયા મહેરોએ ખિસ્તરીયા મહેરો સાથે અપિયાને છોડાવવા માટે આજ દિવસ સુધી કોઇ નક્કર પ્રયાસો થયા નહોતા લેખકશ્રી ભરતભાઇ બાપોદરા તથા ખિસ્તરીયા મહેરો સાથે મળીને એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બીડું ઝડપ્યું. જેના ભાગ રૂપે તા.૩૧/૩/ર૦૧૧ના રોજ પોરબંદરના ઝુંડાળા મેર જ્ઞાતિ ભવન ખાતે બપોરના ૩ થી ૭ સુધી એક સભાનું આયોજન કરવામાં આવેલું આ સભામાં ખિસ્તરીયા, મોઢવાડીયા, ગોઢાણીયા, વગેરે ભાયાતોના સમજદાર વડીલો અને યુવાનો ઊપરાંત પૂ.સ્વામીશ્રી પરમાત્માનંદગિરિજી મહારાજ, શ્રીઅરભમભાઇ કેશવાલા, શ્રીરાણાભાઇ કડછા, શ્રીભરતભાઇ બાપોદરા, તેમજ બારોટ સમાજમાંથી શ્રીબાબુભાઇ બારોટ, શ્રીકાન્તીભાઇ બારોટ, શ્રીઊન્નડભાઇ બારોટ, શ્રીખીમજીભાઇ બારોટ, શ્રીલખુભાઇ બારોટ, શ્રીરમેશભાઇ બારોટ, શ્રીગુણવંતભાઇ બારોટ અને શ્રીકાનજીભાઇ બારોટ ખાસ ઊપસ્થિત રહ્યા હતા.

મુરબ્બી શ્રીરાણાભાઇ કડછા દ્વારા ગુલાબના ફુલથી સ્વામીજી સન્માન કર્યા બાદ શરૂ થયેલા પ્રવચનના દોરમાં જ્ઞાતિના જાણિતા લેખક ભરતભાઇ બાપોદરાએ જણાવ્યું હતું કે, મોઢવાડીયા મેરોએ નાથા મોઢવાડીયાને દગાથી મરાવવા બાબત ખીસ્તરીયા મેરો સાથે કોઇ પણ જાતનો વહેવાર ન રાખવાનો જે અપિયો પકડી રાખેલો છે. તે ઇતિહાસનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા વિના પકડાયેલો અપિયો છે. ઇતિહાસનો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે, એ ઘટનામાં પુંજા ખીસ્તરીયાને તો કેવળ હાથો જ બનાવવામાં આવેલો બાકી આંખુ ષડયંત્ર તો પોરબંદર સ્ટેશનનું હતું. વડોદરાના રાજા ગોપાલરાવ ગાયકવાડ. જામનગરના રાજા જામરણમલ અને જુનાગઢના નવાબ બહાદર ખાન બાબીએ સંયુકત રીતે રાજકોટની એજન્સી સરકારમાં નાથા મોઢવાડીયાને જીવતો કે મરેલો પકડવાની ફરીયાદ દાખલ કરી હતી. તેથી એજન્સી સરકારે પોરબંદરની રાણી રૂપાળી બા ઊપર દબાણ કરેલું કે, નાથા મોઢવાડીયાને જીવતો કે મારેલો હાજર કરો નહી તો પોરબંદરનું રાજ જપ્તીમાં લેવામાં આવશે. તેથી રૂપાળી બાએ પોતાનું રાજ જવાની બીકે આ ષડયંત્ર ઊભું કર્યું હતું. તેમાં પુંજા ખીસ્તરીયાને દોષિત ઠેરવી શકાતો નથી. આમ છતાં મોઢવાડીયા મેરો આમ છતાં મોઢવાડીયા મેરો જો અપિયાને પકડી રાખશે તો તેઓ પાપના અધિકારી બનશે. કારણ કે ખીસ્તરીયા મેરોને દીકરા-દીકરીઓના વહેવારમાં ઘણી મુશ્કેલી ઉભી થાય છે. દીકરીઓને ઘણું સહન કરવું પડે છે.

શ્રીરાણાભાઇ કડછાએ પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું કે, મકર ધ્વજથી માંડીને નટવરસીહ સુધીનો જેઠવા વંશનો આખો ઇતિહાસ મારી પાસે છે. જેઠવા રાણાઓ મેરની શકિત પર પોતાનું રાજ ચલાવતા આવેલા. નાથા મોઢવાડીયાને મરાવવાનું તરકટ પણ પોરબંદર સ્ટેશન તરફથી રચવામાં આવેલું.

પૂ.સ્વામીશ્રી પરમાત્માનંદગિરિજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવેલું કે, આજે સમાજનો ભૌતિક વિકાસ ઘણો થયો છે. પરંતુ બૌધિક વિકાસ થયો નથી. જેને કારણે માનવમાંથી માનવતા, સંસ્કાર વગેરે મૂલ્યો લુપ્ત થયા છે. સ્વામીજીએ વિશેષમાં જણાવ્યું હતું કે, નાથા ભગત વીર પુરૂષ હતા, સિધ્ધાત ખાતર લડતા હતા પરંતુ માણસનું આયુષ્ય જન્મથી જ નક્કી થયેલું છે. એમાં કોઇ મીનમેક કરી શકતું નથી. નાથા ભગતના માૃત્યુમાં પુંજો ખીસ્તરીયો તો માત્ર નિમીત્ત જ બનેલો આયુષ્ય પુરૂ થવાનું હોય તો કોઇને કોઇને નિમીત્ત બનવાનું જ. માટે મોઢવાડીયા ભાઇઓએ આવા અંધશ્રધ્ધા યુકત અપિયાઓને પકડી રાખવો
જોઇએ નહી. વળી, કોઇ એકાદ માણસ દ્વારા થયેલી ભુલની સજા આખા સમાજને આપવી એ વાજબી કહી શકાતી નથી. આ હકિકત સમજાવવા માટે બારોટોએ પણ નૈતિક હમત કેળવવીને આગળ આવવું જોઇએ અને વહેવામાં વહેલી તકે આ સમસ્યા નાબુદ કરવી જોઇએ.

મોઢવાડીયા મેરોના બારોટ શ્રીેખીમજીભાઇએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ વિચાર ઘણો જ ઊત્તમ છે. મેર જ્ઞાતિની અંદર ઘણી એવી સમસ્યાઓ છે. કે જેનું નિરાકરણ આવવું જોઇએ. નાથા ભગતની બાબતમાં બારોટોને ખોટી બદનામી મળી છે. બારોટો જોડવાનું કામ કરે છે. તોડવાનું નહી. આ જ્ઞાતિનું હિત થતું હોય તેમાં સહકાર આપવો એ અમારી પવિત્ર ફરજ બને છે. એ માટે અમને ગમે ત્યારે અને ગમે ત્યાં બોલાવશો તો અમે અવશ્ય હાજર રહીશું.

સ્વ.કાનજીભાઇ બારોટના પુત્ર શ્રીગુણવંતભાઇ બારોટ, રાજશાખા મેરના બારોટશ્રી રમેશભાઇ, ઓડેદરા મેરના બારોટશ્રી ઊન્નડભાઇ, ખીસ્તરીયા મેરના બારોટશ્રી લખુભાઇ, મોઢવાડીયા મેરના બારોટશ્રી કાન્તીભાઇ, વગેરેએ પણ પોત-પોતાના પ્રવચનમાં જણાવેલ કે, મેર સમાજ એક થવો જોઇએ. મેર સમાજમાં સંગઠન અને એકતા હશે તો રાજકિય નેતાઓને પણ નમવું પડશે. મેરના આગેવાનો સાથે મળીને આ કામ હાથ ધરે તો જરૂર સફળતા મળે અને સદાય સૌની સાથે રહેશું.

બારોટોના પ્રવચનના દોર પછી શરૂ થયેલા ખીસ્તરીયા અને મોઢવાડીયા મેરોના પ્રવચન દોરમાં શ્રીકચરાભાઇ ખીસ્તરીયાએ જણાવ્યું હતું કે, અમારા બારોટ દેવ આગળ આવે તો આ પ્રશ્ન હલ થઇ શકે નાથા ભગતની બાબતમાં જીથરા ભાભાની વાર્તા જેવું તુત ઉભું થયેલું છે. બારોટોએ મોઢવાડીયા ભાઇઓના ઘરે-ઘરે જઇને ખરી હકિકત સમજાવવાની જરૂર છે. જેમ સ્વાધ્યાય પરીવારના ભાઇઓ ઘરે ઘરે જાય છે. તેમ બારોટો આ બાબતે મોઢવાડીયાના ભાઇઓના ઘરે ઘરે જઇને ખરી હકિકત સમજાવશે તો હું તેને તેઓનો સ્વાધ્યાયી કહીશ.

વિદેશથી પધારેલા શ્રીલાખણશીભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપેલો છે. માટે ખોટા વહેમો, અંધશ્રધ્ધાઓ અને કુમાન્યતાઓનો ત્યાગ કરીને પરસ્પર સંપ અને એકતા સાંધવા એમાં જ માણસનું ખરી માનવતા રહેલી છે. મારો એક સાઢુભાઇ ખીસ્તરીયા છે. હું ત્યાં જાઉં છું તેના ઘરે જમું છું. મને કોઇ અડચણ આવી નથી માટે મોઢવાડીયા ભાઇઓને મારી નમ્ર અપીલ છે. હવે આવા ખોટા વહેમોમાંથી બહાર નિકળો અને સમાજમાં સંપ અને ભાઇચારાનું વાતાવરણ સર્જવાના વડીલોના પ્રયાસોમાં સહકાર આપો.

પૂ.સ્વામીજીના આર્શીવચનો સાથે પ્રવચનનો દોર પૂર્ણ થયા બાદ સ્વામીના અધ્યક્ષ સ્થાને એક કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ કમિટીમાં જ્ઞાતિજનો અને બારોટોનો સમાવેશ કરવામાં આવેલ છે.

જ્ઞાતિજનોમાંઃ-શ્રીઅર્જુનભાઇ મોઢવાડીયા, વિરમભાઇ ગોઢાણીયા, અરભમભાઇ કેશવાલા, સામતભાઇ ગોગનભાઇ ઓડેદરા, રાણાભાઇ કડછા, ભરતભાઇ બાપોદરા, દિલીપભાઇ મોઢવાડીયા, અરજનભાઇ ખીસ્તરીયા, હાજાભાઇ ખીસ્તરીયા, રામભાઇ ખીસ્તરીયા, ભીમાભાઇ હાજાભાઇ ખીસ્તરીયા, કચરાભાઇ ખીસ્તરીયા, રાજુભાઇ ખીસ્તરીયા, મહેશભાઇ ખીસ્તરીયા, નાગાભાઇ ખીસ્તરીયા, રામાજીભાઇ ભીમાજીભાઇ ઓડેદરા, નવઘણભાઇ મોઢવાડીયા, ભીમભાઇ ભુતિયા, જીવાભાઇ વેજાભાઇ ખીસ્તરીયા, રોટોમાંઃ-બાબુભાઇ બારોટ-ઓડેદરા, કાન્તીભાઇ બારોટ-મોઢવાડીયા, ઊન્નડભાઇ બારોટ-ઓડેદરા, ખીમજીભાઇ બારોટ-મોઢવાડીયા, બાબુભાઇ બારોટ-મોઢવાડીયા, રમેશભાઇ બારોટ-રાજશાખા, ગુણવંતભાઇ બારોટ-ગોઢાણીયા-મોઢવાડીયા, લખુભાઇ બારોટ-ખીસ્તરીયા, કાનજીભાઇ બારોટ-કેશવાલા, અજુભાઇ બારોટ-મોઢવાડીયા, દિનુભાઇ બારોટ-ગોઢાણીયા-મોઢવાડીયા,પરોકત કમિટી નજીકના સમય દરમિયાન પૂજય સ્વામીશ્રી પરમ
ાત્માનંદગિરિજીના અધ્યક્ષ સ્થાને મોઢવાડા અથવા વડાળા ગામે મોઢવાડીયા મેરોની વિશાળ ઊપસ્થિતિમાં એક ભવ્ય સભાનું આયોજન કરશે અને મોઢવાડીયા મેરોના મનમાં વર્ષોથી ઘર કરી ગયેલી ‘અપિયા’ જેવી અંધશ્રધ્ધાને દુર કરીને સમાજમાં સંપ, એકતા અને ભાઇચારો નિર્માણ કરવાનો અને એ રીતે એક આદર્શ સમાજ નિર્માણ કરવાનો સંન્નિષ્ઠ પ્રયાસ હાથ ધરશે. એવું કમિટીના આયોજકોએ જણાવેલ છે. અને આ પવિત્ર કાર્યમાં શરૂઆતથી જ આઇ મા પુતિઆઇના પરમ આશિષ મળેલાં છે.

 

Article by Maher Ekta –  મહેર એકતા website

http://maherakta.wordpress.com/